RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

આરોગ્ય સુધા- કેન્સરને મટાડતી બીડી

એવી અકસીર સારવાર જ્યાં સાયન્સનો પનો ટૂંકો પડે છે.વાંચો સમભાવ ન્યૂઝનો આ ઉપયોગી લેખ
સૌજન્ય : સમભાવ ન્યૂઝ  

               એલોપથી અને નેચરોપથીની સારવારના વધતા વ્યાપ વચ્ચે જંગલો અને પર્વતીય વિસ્તારોમાં વસતા આદિવાસીઓના ઔષધીય વનસ્પતિઓ વિશેના જ્ઞાનથી બહારની દુનિયા અજાણ છે. જો આદિવાસીઓના આ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો વિશ્વને વિવિધ રોગો માટે નવી દવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. ગુજરાત રાજ્યનાં જંગલોમાં ઉપલબ્ધ કુલ ૪ હજાર પ્રકારની વનસ્પતિઓમાંથી ૧૩૧૫ ઔષધીય વનસ્પતિઓ છે. જેમાંથી ૭૪ ટકા વનસ્પતિની જાણકારી આદિવાસીઓ ધરાવે છે. જેમાંથી ગુજરાતની આયુર્વેદિક ઔષધી બનાવતી કંપનીઓ માત્ર ૨૪૦ વનસ્પતિઓનો જ ઉપયોગ કરે છે. ગુજરાતની કુલ વસતીના ૧૫ ટકા વસતી આદિવાસીઓની છે અને પૂર્વપટ્ટીમાં બનાસકાંઠાથી ડાંગ સુધી અને ધરમપુર-કપરાડા સુધીનાં જંગલો, પર્વતોમાં આદિવાસીઓનો વિશાળ સમુદાય વસે છે. જંગલી વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ અનેક રોગોના ઉપચારમાં અકસીર બની રહે છે ત્યારે આદિવાસીઓનું આવી વનસ્પતિ વૈવિધ્ય અંગેનું જ્ઞાન પણ ઉપચારક બની રહે છે. અહીં કેટલાક દાખલા મોજૂદ છે. ભગતની બીડી કેન્સર મટાડે છે! ડાંગના જંગલમાં થતા કોવિન્દ્રા નામના ઝાડનાં પાન કેન્સરના જીવાણુઓનો નાશ કરવા માટે સક્ષમ છે. કોવિન્દ્રાના ઝાડનાં પાનમાં વાંસ અને મટરુ નામના કંદનો ભુક્કો ભરીને બીડી બનાવાય છે. તમાકુમાંથી બનતી સિગારેટ કેન્સરને નોતરે છે તો આ બીડી કેન્સરને ભગાડે છે. આહવામાં વનૌષધિ અંગેના જ્ઞાનથી અનેક દર્દોની સફળ સારવાર કરતાં સયજુ ભગત કહે છે, "આ બીડી પીવાથી તેનાં તત્ત્વો ધુમાડા રૃપે શરીરમાં જાય છે જે કેન્સરની ગાંઠો દૂર કરે છે અને શરીરમાં ફેલાયેલા કેન્સરના જીવાણુઓનો નાશ કરે છે. ગાડ નામની વનસ્પતિનાં બીજના પાઉડરને અન્ય જંગલી વનસ્પતિઓ સાથે લસોટીને લેપ બનાવવામાં આવે છે, જે કેન્સરની ગાંઠ માટે અકસીર કામ આપે છે. પહેલા-બીજા સ્ટેજના કેન્સરના દર્દીને અમે ૮-૯ મહિનાની સારવારમાં જ સાજા કરી દઈએ છીએ. જોકે આખરી તબક્કાના કેન્સરના દર્દીમાં અમારી સારવાર કારગત નીવડતી નથી." સયજુ ભગત પાસે રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. તેમની દવાઓ અહીંથી લોકો વિદેશમાં વસતાં તેમનાં સગાંને પણ મોકલે છે. સયજુ ભગતના પિતા જાનુદાદા ડાંગ જિલ્લાના આદરપાત્ર ઉપચારક હતા. તેમને જ્ઞાનસાગર અને જ્ઞાનકુંડ જેવાં સન્માનોથી પણ નવાજાયા છે. દોઢ વર્ષ પહેલાં ૯૦ વર્ષની ઉંમરે જાનુદાદાનો સ્વર્ગવાસ થયો. જાનુદાદાની સૌથી વધુ પકડ નિસંતાન દંપતીઓની સફળ સારવારમાં હતી. હજારો નિસંતાનોને સફળ સારવારથી સંતાનપ્રાપ્તિ થઈ છે. લગ્નના એક દાયકા બાદ જાનુદાદાની સારવારના પરિણામે એક આઈએએસ દંપતીને ઘેર પારણું બંધાયું હતું અને તેમણે જાનુદાદાને આહવામાં જગ્યા આપી હતી જ્યાં અત્યારે સયજુ ભગત દર્દીઓનો ઉપચાર કરી રહ્યા છે. સયજુ ભગત ડાયાબિટીસ, સાંધાનો દુખાવો, પેટની સમસ્યા અને વંધ્યત્વથી લઈને કેન્સર સુધીની સફળ સારવાર કરે છે. લકવાની સારવારમાં માસ્ટર ગંગારામ વઘઈ તાલુકાના શિવારીમાળના ૪૩ વર્ષના ગંગારામ ભોયે પેઢી દર પેઢી જંગલી વનસ્પતિઓથી વિવિધ દર્દોની સારવાર કરે છે. સાપુતારાના માર્ગે વઘઈથી ૩૦ કિલોમીટર દૂર આવેલા શિવારીમાળ ગામે તેઓ પોતાના ઘરે જ દર્દીઓનો ઉપચાર કરે છે. મંગુભાઈની હથોટી સંધિવા, પૅરાલિસિસ, લકવા, ગેસ, મસા જેવાં દર્દોમાં છે. આ માટે રગતરોહડા, અને અર્જુન વૃક્ષની છાલ તેમજ માલકાંગણીનાં બીજ સહિત ૧૨ જેટલી ઔષધીઓનું મિશ્રણ કરીને તેની ગોળી બનાવવામાં આવે છે. ડાંંગમાં નાનપણથી જ પિતાની આંગળી પકડીને બાળક જંગલમાં જડીબુટ્ટી શોધવા જાય છે અને એ રીતે એક્સપર્ટ થઈ જાય છે. મંગુભાઈ કહે છે, "અમે ઘરે શુક્ર, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસ સારવાર આપીએ છીએ. દર્દીને જરૃર પડે તો માલિશ, સ્ટીમબાથ પણ આપીએ છીએ.

      અમે દર્દીને ૧૫ દિવસની દવા આપીએ તો તેની ૫૦ રૂપિયા ફી લઈએ છીએ." મહારાષ્ટ્ર બોર્ડર ૨૦ કિલોમીટર દૂર હોવાથી ગંગારામ પાસે વધુ દર્દી મહારાષ્ટ્રના આવે છે. મહિન્દ્રા કંપનીના નાસિક ખાતેના એક અધિકારી સુભાષ હેગડેની દીકરીને નાનપણથી પૅરાલિસિસ થયો હતો. સુભાષભાઈએ મોટા દવાખાને દીકરીની સારવાર પાછળ ૧૦ લાખ જેટલો ખર્ચ કર્યો હતો. પણ કોઈ પરિણામ મળતું નહોતું. પાંચ વર્ષ પહેલાં ૧૨ વર્ષની દીકરીને લઈને સુભાષભાઈ શિવારીમાળ ગામે ગંગારામ ભગત પાસે સારવાર માટે આવ્યા. અહીં માત્ર ૩ મહિનાની સારવારમાં એ દીકરીનો ૯૦ ટકા પૅરાલિસિસ મટી ગયોે. નાસિકનો જ એક કિશોર અપંગ હતો તેને ગંગારામે સારવાર કરીને ચાલતો કર્યો છે. આવા તો ઘણા કિસ્સા છે. લકવામાં ભૂતઝાડ નામની જંગલી ઔષધી વધુ કામ આપે છે. આ ઔષધીને ઉકાળીને પિવડાવવામાં આવે છે. ગંગારામ પાસે અઠવાડિયે ૪-૫ લકવાના દર્દી સારવાર લેવા આવે છે. ગંગારામને વનવિભાગે વનૌષધિ ઉગાડવા માટે પાંચ હેક્ટર જમીન આપી હતી. જેમાં તેમને પોતાને જ ઉપયોગમાં આવતી તમામ ઔષધીના ૧૦૦૦ રોપા વાવ્યા છે. મા અનંતાનંદની દેવ વ્યાપાશ્રય ચિકિત્સા દેવ વ્યાપાશ્રય ચિકિત્સા આયુર્વેદની એક ઉત્તમ ચિકિત્સા પદ્ધતિ છે. અમદાવાદ નજીક વહેલાલના મા અનંતાનંદ આશ્રમનાં મા અનંતાનંદજીએ આ ચિકિત્સાથી અસાધ્ય બીમારીઓના હજારો દર્દીઓને સાજા કર્યા છે. મંત્રશક્તિ ઉપર વિશેષ ભાર મૂકતી આ ચિકિત્સા પદ્ધતિનું શિક્ષણ મા અનંતાનંદજીએ ગુરુ પાસેથી પરંપરાગત રીતે મેળવેલું છે. દેવ વ્યાપાશ્રય ચિકિત્સામાં મંત્ર, યજ્ઞ, હોમ, મણિ, ઔષધ ઉતારણ, અમૃતકર્મ મહત્તમ ભાગ ભજવે છે. અહીં મંત્રોચ્ચાર વચ્ચે ઔષધ તૈયાર કરીને પારાના બનાવેલા પારદેશ્વર પર તેનો અભિષેક કરવામાં આવે છે. આ અભિષેક કરાયેલી ઔષધી જ દવા તરીકે વપરાય છે. વહેલાલના આશ્રમની ૩૫ એકરની જમીનમાં માત્ર ઔષધીઓ જ ઉગાડવામાં આવે છે અને સંસ્થાની નર્મદા કાંઠે ૧૦૦ એકરમાં ઔષધિઓ ઉગાડવાનું આયોજન છે ગીરની ગાયો રાખીને તેનું જ ઘી, દૂધ અને ગૌમૂત્ર દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કેન્સરના ૩૪ હજાર જેટલા દર્દી સાજા કર્યા આશ્રમમાં સ્વૈચ્છિક સેવા આપતા તપનભાઈ સારવારનાં પરિણામો અંગે વાત કરતા કહે છે, "કેન્સરમાં જે લક્ષણો માટે કેમોથેરાપી આપવામાં આવે છે તે જ લક્ષણો માટે અમે આયુર્વેદિક પંચકર્મ સારવાર કરીએ છીએ અને પરિણામો બંનેમાં લગભગ સરખાં મળે છે. ફરક એટલો કે કેમોથેરાપીમાં જે આડઅસરો થાય છે તે અહીં થતી નથી. ઊલટાની ભૂખ લાગવાથી શક્તિ આવે છે અને દર્દીના ચહેરા ઉપર તેજ વધે છે. જટિલ રોગમાં માતાજીની સારવાર ઉત્તમ પરિણામ આપે છે. અત્યાર સુધીમાં પહેલા સ્ટેજથી લઈને છેલ્લા સ્ટેજના કેન્સરના ૩૩ હજાર જેટલા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. કિડની ફેલ્યોરના ૨૫૦૦ જેટલા દર્દીઓ સાજા કર્યા છે. કેટલાયના હાર્ટ કોરોનરી બ્લોક દૂર કરી આપ્યા છે. ૬૦ ટકા જેટલા દર્દીઓને મફત તથા અન્ય દર્દીઓને ૫૦ ટકાના રાહતદરે દવા આપવામાં આવે છે. શુક્ર-શનિ વારે દૂરદૂરથી, અન્ય રાજ્યોમાંથી સારવાર લેવા આવતા દર્દીઓને મફત ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. મંત્ર અમારી શક્તિ છે. જેનાથી અમે ખૂબ સારી સારવાર આપી શકીએ છીએ. અમે દવા-દુઆ- ટેક ત્રણેયને સારવારમાં જોડ્યાં છે." "મૃત્યુ ઉપર કોઈનો અધિકાર નથી, પરંતુ અમારે ત્યાં આવતા કેન્સરના દર્દી ગમે તેટલી ગંભીર સ્થિતિમાં હોય તો પણ તે આવે ત્યારે જે હાલત હોય તેથી ખરાબ તો થતા જ નથી. અમે દર્દીઓનો અભ્યાસ કરીને દર વર્ષે રિપોર્ટ બહાર પાડીએ છીએ. રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ દર વર્ષે પાંચ વિદ્યાર્થીઓને એક વર્ષ માટે તાલીમ માટે આશ્રમમાં મોકલે છે. કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ પણ તાલીમ માટે આવે છે." આ સંસ્થા ૧૯૭૮થી કામ કરી રહી છે. અહીં ભારત ઉપરાંત પરદેશથી વર્ષે ૧૦,૦૦૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવેે છે. આ કોઈ પણ આડઅસર વગરની સારવાર છે અને તેમાં એલોપથી સારવારથી દસમા ભાગનો ખર્ચ થાય છે. આશ્રમમાં બધી ઔષધી ભગવાનને અર્પણ કરીને પછી દર્દીને અપાય છે. અહીંનો માહોલ દવાખાના જેવો ઓછો અને મંદિર જેવો વધુ લાગે છે. એટલે જ અહીં દવાખાનાને દર્દી નારાયણ સેવા મંદિર નામ અપાયું છે. આશ્રમમાં ફિઝિયોથેરાપી અને પેથોલોજીનાં ડિપાર્ટમેન્ટ છે તથા બે મોટાં પંચકર્મનાં થિયેટર પણ છે. કેન્સરના કયા સ્ટેજના દર્દીઓને તમે સાજા કર્યા છે? તેવા પ્રશ્નના જવાબમાં મા અનંતાનંદજી કહે છે, "મોટેભાગે કેમોથેરાપી સહિતની બધી સારવાર પૂરી થઈ જાય, એલોપથી ડૉક્ટર હાથ ઊંચા કરી લે તે પછી દર્દી અમારી પાસે આવે છે. કેન્સરનું નિદાન થાય અને તરત અમારી પાસે આવે એવા દર્દીઓની સંખ્યા ૧૦ ટકા માંડ હશે. અમે સાજા કરેલા દર્દીઓમાં ૬૦ ટકા દર્દીઓ સ્ટેજ ૩, સ્ટેજ ૪ના હોય છે. ભગવતકૃપાથી અહી જટિલ, રિજેક્ટેડ દર્દીઓ સાજા થઈ રહ્યા છે." મા અનંતાનંદ કહે છે "૧૯૭૮નો ચેતાતંતુના કેન્સર(મલ્ટિપલ માયલૉમા)નો કેસ હજુ હયાત છે. નિવૃત્ત સરકારી અધિકારી પ્રવીણ નટવરભાઈ પટેલને ગળાનું કેન્સર (પોસ્ટ ફેરેન્જિયલ વોર્મ) થયું હતું. બધી સારવારથી થાકી ૨૦૦૩માં તેઓ પાલડીમાં મા અનંતાનંદ આશ્રમમાં સારવાર લેવા આવ્યા. માત્ર બે વર્ષમાં પ્રવીણભાઈનું કેન્સર મટી ગયું." પ્રવીણભાઈ કહે છે, "૨૦૦૩માં બતાવવા આવ્યો ત્યારે માએ કહ્યું હતું કે તમે ભૂલી જ જશો કે તમને કેન્સર હતું. માતાજીનું આ વચન અક્ષરશઃ સાચુ ઠર્યું છે." ૧૨૫૧ કિલો પારામાંથી શિવલિંગ ગત વર્ષે વહેલાલમાં આવેલા અનંતાનંદ આશ્રમમાં આયુર્વેદ સંશોધન કરી રહેલા તજજ્ઞોએ પૌરાણિક વિદ્યાનો પ્રયોગ કરી ૧૨૫૧ કિલો પારામાંથી શિવલિંગ બનાવ્યું હતુંં. આઠ વર્ષની મહેનતના અંતે આ સફળતા મળી હતી. પૌરાણિક શાસ્ત્રોમાં આપેલા જ્ઞાનના આધારે દેશમાં પ્રથમ વાર પારામાંથી આટલુ મોટું શિવલિંગ બનાવવાના પ્રયોગને સફળતા મળી હતી. આશ્રમમાં દિવ્યજ્યોત આયુર્વેદિક રિસર્ચ પ્રતિષ્ઠાનમાં પારાને સ્થિર કરવા દિવ્ય વનસ્પતિઓના રસ અને સિદ્ધ કરેલા મંત્રોનો ઉપયોગ કરાયો હતો. વર્ષો પહેલાં ગીરનારમાં રહેતા ગીરનારી બાબા સિદ્ધ રસશાસ્ત્રના જ્ઞાની હતા. તેઓ પોતાની આ વિદ્યા કોઈને પણ આપતા નહોતા અને ગીરનારની ગુફાઓમાં બેસી તેઓ ગરીબ લોકોને ચમત્કારિક ઔષધી આપતા હતા. દેહાંત પહેલાં ગીરનારી બાબાએ મા અનંતાનંદ તીર્થ માતાજીને આ વિદ્યા આપી હતી. એ વિદ્યા અને વર્ષોની સાધનાને પરિણામે પારાને બાંધવાનું કઠિન કાર્ય સિદ્ધ થયું હતું. પારાનું શિવલિંગ બનાવવા કુલ ૬૫ જેટલા ખરલમાં એક સાથે આ પ્રક્રિયા ચાલતી હતી. પારાને બાંધવા માટે લીંબુ, બીજોરાં, ચિત્રક, સૂંઠ, મરી, પીપર, સીંધાલૂણ, રાઇ, મૂળા, આદું, કમલપત્ર, કાંજી, હળદર, ઉન્ની ભસ્મ, કડવી તંબુડી, ઘેટીનું દૂધ, ઇન્દ્રાયણનાં મૂળ, અંકોલી, હરડે, બહેડાં, આમળાં, અરીઠા, કુંવારપાઠા, ભાંગરો, બીલી, લજામણી, સરગવો, ચમેલીનાં પાંદડાં, થોરનું દૂધ, ધતૂરાનો રસ, સર્પાક્ષી, આમલી, વાંજરની કંકોટી, કરેલ, ચણોઠી, વછનાગ અને લાણો સહિતનાં ભારતભરનાં દિવ્ય ઔષધોનો સમાવેશ થયો હતો. વેદના એક શ્લોક અનુસાર સ્વયંભૂ શિવલિંગના પૂજન કરતાં કરોડ ગણું ફળ પારદ લિંગના પૂજનથી મળે છે. અનંતધામ વહેલાલ ખાતે આયુર્વેદથી સારવાર આપતી કેન્સર હોસ્પિટલમાં આ શિવલિંગ પર કરાતા અભિષેકના દૂધ અને ઉપજોનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મા અનંતાનંદના કહેવા મુજબ "પારો એક શ્રેષ્ઠ ઔષધ છે, તેના પર કરાતા અભિષેકનું દૂધ અને જળ શ્રેષ્ઠ ઔષધ બની જાય છે, જેનો દવા તરીકે ઉપયોગ થાય છે. બ્રહ્યાજીનું વચન છે કે આ જગતનાં તમામ દર્દોની સારવાર આપવામાં આવી છે. તમામ પ્રકારનાં જટિલ દર્દોની અમે સારવાર કરી રહ્યા છીએ. ભારતીય પરંપરા અનુસાર આહારવિહાર અપનાવાય તો પણ રોગ ચોક્કસ દૂર રહે છે. તંદુરસ્ત રહેવા માટે આધ્યાત્મિક જીવન હોવું જોઈએ, મન તણાવરહિત હોવું જોઈએ, કારણ કે મોટાભાગની બીમારીઓ માનસિક તણાવથી જન્મે છે." રેડિઓલૉજિસ્ટ ફૂલોના પ્રેમમાં પડ્યા! સામાન્ય રીતે પરંપરાગત સારવાર પદ્ધતિમાં એલોપથી નહીં ભણેલા લોકો જોડાયેલા હોય છે, પરંતુ ફૂલોની ઊર્જાના ઉપયોગથી જીવલેણ બીમારી દૂર કરતા મુંબઈના ડૉ. અતુલ શાહ મુલતઃ એમ.ડી. રેડિઓલૉજિસ્ટ છે. તેઓ બોમ્બે યુનિવર્સિટીમાં ભારતના સૌથી યુવાન આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા હતા અને અમેરિકાની હોસ્પિટલોમાં એમઆરઆઈ (મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ)ની તાલીમ આપી ચૂક્યા છે. ડૉ. અતુલ શાહ કહે છે, "હું ન્યૂયોર્કમાં કેન્સરની હોસ્પિટલમાં કામ કરતો ત્યારે કંઈક જુદું કરવાના વિચારથી મુંબઈ પરત આવી ગયો અને બોરીવલીમાં મુળ એલોપથીના પણ ફૂલોની ઊર્જાથી દર્દીઓની સારવાર કરતાં ડૉ. રૃપાને મળ્યો અને જીવનની દિશા બદલાઈ ગઈ. ડૉ. રૃપા સાથે લગ્નગ્રંથિથી જોડાઈને રેડિઓલોજીની પ્રેક્ટિસ બંધ કરીને તેમની સાથે જ ફુલટાઇમ ફૂલોના ઉપચાર અને સંશોધનમાં લાગી ગયો. ઈંગ્લિશ ફૂલોના ઉપયોગથી ડૉ. એડવર્ડ બાક દવા બનાવી શકતા હોય તો આપણે ત્યાં ભારતીય ફૂલોમાંથી દવાઓ કેમ ન બનાવી શકાય? એ વિચાર સાથે અમે આગળ વધ્યાં. સામાન્ય રીતે ફૂલોની સારવાર ઇમોશનલ, મેન્ટલ લેવલે કામ આપે છે પરંતુ અમારી દવા શારીરિક સ્તરથી લઈને જીવિત કે નિર્જીવ વસ્તુઓમાં પણ કામ આપે છે. તમારા શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય અને અન્ય કોઈ એલોપથી સારવારથી શક્ય નથી તેવા દુખાવાને હું માત્ર બે મિનિટમાં ઓછો કરી આપીશ." અતુલભાઈએ ફૂલોની ઊર્જાનો ઉપયોગ કરીને પદાર્થોના સ્વભાવને સુધારી આપતાં સાધનો બનાવ્યાં છે. જેમ કે, તેમનું બનાવેલું પૅન્ડન્ટ સિગારેટ, દારૂની નજીક અમુક સેકન્ડ સુધી રાખવાથી આ વસ્તુઓનો ટેસ્ટ સાવ ફિક્કો પડી જાય છે. હવે દરિયો મીઠો કરવાના ઓરતા તમારી પાસે રહેલી ક્ષારયુક્ત પાણીની બોટલને અડ્યા વગર ડૉ.અતુલ શાહના માદળિયામાં રહેલી ફૂલોની ઊર્જા વાપરી મીઠું પાણી બનાવી દે છે. અત્યારે તેઓ ફૂલોની ઊર્જાથી દરિયાના ખારા પાણીને મીઠું કરવાના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટની સૌથી સકારાત્મક બાબત એ છે કે તેમાં ખાસ વીજળી વપરાતી નથી. તેઓ કહે છે, "આ પ્રોજેક્ટમાં અમને થોડી સફળતા પણ મળી છે. અમારી પરિકલ્પના પ્રમાણે ધારો કે અમદાવાદમાં દરિયાઈ પાણીની લાઇન નખાય તો તેમાંથી મીઠંુ પાણી બનાવીને આખા અમદાવાદને પૂરું પાડવા માટે બહુ વિશાળ પ્લાન્ટની જરૃર નહીં પડે. આ પ્લાન્ટ વીજળી વગરનો હશે, માત્ર ટાંકીમાં પાણી પહોંચાડવા પૂરતી વીજળીની જરૂર પડશે. બધું સમુંસૂતરું પાર પડશે તો હું ખારા પાણીમાંથી ૨૫ પૈસાના ખર્ચે ૧ લિટર મીઠું પાણી બનાવી શકીશ." આ પ્રોજેક્ટમાં કયો સિદ્ધાંત કામ કરે છે? તેવા સવાલના જવાબમાં ડૉ શાહ કહે છે, "અત્યારે દુનિયામાં કેઓટિક પેટર્ન છે. લોકો ધ્યેયહીન અવસ્થામાં અહીંતહીં ભટકે છે, જેથી ખાનખરાબી થાય છે. તેના બદલે જો કોહરન્ટ પેટન્ટ હોય તો બધું સરળ થઈ જાય, ગુણધર્મો બદલાઈ જાય. આ વાતને ઉદાહરણથી સમજાવીએ તો, માનો કે એક રૃમ લોકોથી ભરેલો છે અને યોગ્ય દિશા, દોરવણીના અભાવે બહાર નીકળવા માટે બધા ધક્કામુક્કી કરે તો અકસ્માત-અવ્યવસ્થા સર્જાય અને બધાને બહાર નીકળવામાં મોડું પણ થાય. કોહરન્ટ પેટર્નમાં બધા લાઇનમાં ઊભા રહીને ઈજા વગર, જલદી બહાર નીકળી શકે. એવી રીતે મોલેક્યુલ કોહરન્ટ કરતાં આખા સિદ્ધાંતો બદલાઈ જાય છે. અમે અમારી સારવારમાં નેનો-ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો છે." ફૂલોને તોડ્યા વગર ફૂલોની શક્તિની દવા ફૂલોની ઊર્જાની દવાની બનાવટમાં ફૂલોની ઊર્જા સિવાય મુખ્યત્વે પાણી હોય છે અને પ્રિઝર્વેટિવ તરીકે બ્રાન્ડી, વિનેગાર, ગ્લિસરીન હોય છે. તેમાં કોઈ રાસાયણિક પદાર્થ ન હોવાથી તેને એલોપથી, આયુર્વેદ, હર્બલ, હોમિયોપથી કે યુનાની દવાની જેમ કોઈ શ્રેણીમાં મૂકી શકાય તેમ નથી. ડૉ. શાહ કહે છે, "ફૂલોને તોડ્યા વગર ફૂલોની શક્તિની દવા બનાવનારા અમે દુનિયામાં પ્રથમ છીએ." "મારી પાસે ૧૯૯૨માં એઇડ્સનો દર્દી સારવાર માટે આવ્યો હતો અને હજુય તે જીવિત અને હરતોફરતો છે. ઘણાં અસાધ્ય દર્દોને મેં હટાવ્યાં છે. ૧૯૯૧માં મારી પાસે ઘાટકોપરથી કેન્સરના ૪-એ સ્ટેજની મહિલા દર્દીને તેમના પતિ લઈને આવ્યા હતા અને મારી સારવાર પછી તે ૧૪ વર્ષ જીવ્યાં હતાં. લકવા, ડાયાબિટીસમાં પણ અમને થોડી સફળતા મળતી થઈ." તમારી સારવાર સસ્તી છે કે મોંઘી? તેવા પ્રશ્નના જવાબમાં ડૉ. શાહ કહે છે, "સસ્તી પણ છે અને મોંઘી પણ. મારી સસ્તામાં સસ્તી દવા ૧૫૦ રૃપિયા પ્રતિ મહિનો છે. માથાનો દુખાવો વગેરે જેવાં સામાન્ય દર્દો માટે મળતી ૧૫૦ રૃપિયાની દવા બે વર્ષ દરમિયાન ગમે ત્યારે વાપરી શકાય છે. અને કેન્સર જેવાં અસાધ્ય અને જટિલ દર્દોમાં વપરાતી મોંઘી દવા પાછળ મહિને ૫૦,૦૦૦ રૃપિયા સુધી ખર્ચ થાય છે." શાહ દંપતીએ ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, યુએસએ, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ અને ભારતમાં ફ્લાવર રેમેડિઝ કોન્ફરન્સમાં લેક્ચર આપ્યાં છે. તેઓ કહે છે, "હું એલોપથી પદ્ધતિથી નિદાન કરું છું. પછી તેનું અર્થઘટન આયુર્વેદિક વાત, પિત્ત અને કફના સિદ્ધાંત પર કરું કે ચીનની સારવાર પદ્ધતિ પ્રમાણે કરું છું. અમે પેઇન્ટમાં નાખીને વાપરવાની શાંતિ, ક્રિએટિવિટી તથા પાચન માટેની દવાઓ પણ બનાવી છે. આ દવામિશ્રિત પેઇન્ટથી રૃમની દીવાલો ધોળાવતા પાંચ વર્ષ સુધી તે દવાની અસર રહે છે." રસસિદ્ધિના જાણકાર પ્રેમજીભાઈ દાફડા રસસિદ્ધિના જાણકાર ભાવનગર ઢસાના પ્રેમજીભાઈ દાફડા આસપાસના પંથકમાં ભગત બાપુ તરીકે ઓળખાય છે. તેઓ ડાયાબિટીસની સારવારમાં રસવિદ્યાનો ઉપયોગ કરે છે અને ઘણા પ્રસિદ્ધ જૈનાચાર્યો પણ તેમની પાસેથી દવા લે છે. પ્રેમજીભાઈએ ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્યમંત્રીના ભાઈનાં દીકરીને લિવરનું કેન્સર મટાડ્યું હતું. તેઓ કહે છે, "મારી એક રૃપિયાની દવાથી ઝેરી કમળો ચોથા દિવસે મટી જાય. રસવિદ્યાથી મેં ઘણાંને કેન્સર મટાડ્યું છે. જોકે છેલ્લાં ૧૦ વર્ષથી આ કામ મેં બંધ કર્યું છે, કારણ કે એક માણસને કેન્સર મટાડવું હોય તો એક મહિનાના પાંચ ગ્રામ લેખે પાંચ મહિનાની સારવારમાં ઓછામાં ઓછું ૨૫ ગ્રામ સોનું જોઈએ. મારો બેઝ વ્યવસાયિક નથી. ૩ હજાર રૃપિયા સોનાનો ભાવ હતો ત્યારે મેં આવી સારવાર ઘણી કરી. પણ હવે આટલા મોંઘા ભાવના સોનામાં અમારી ગણતરી બાપુમાંથી મદારીમાં થઈ જાય એટલે ૧૦ વર્ષથી સારવાર છોડી દીધી છે." ૧૫ વર્ષની ઉંમરે ગીરનારમાં એક સિદ્ધકના સાંનિધ્યમાં ૫૦ વર્ષ મહેનત કરીને પ્રેમજીભાઈએ આ વિદ્યા સિદ્ધ કરી છે. તેમણે કાષ્ઠ ઔષધીનો ૨૦ વર્ષ અભ્યાસ કર્યો છે. તેઓ એક કિસ્સો વર્ણવતાં કહે છે, "એક સ્નેહીને ૪૬૦ ડાયાબિટીસ આવતો હતો, પગ સડી ગયો હોઈ સિવિલમાં દાખલ કરવા પડ્યા જ્યાં સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પ્રભાકરે પગ કાપવાની ભલામણ કરી, પરંતુ મેં પગ કાપવાની ના પાડી. ડૉ. પ્રભાકરે દલીલો કરીને મારી સારવારને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ધોરણે અમાન્ય ગણાવી, પરંતુ મેં ૧ મહિનામાં પગ સાજો કરી દીધો. અલબત્ત, દવા ૬ મહિના લેવી પડી હતી." જોકે પ્રેમજીભાઈ અવળવાણી બોલતાં કહે છે કે, "કાષ્ઠ ઔષધીઓ હવે કામ કરશે નહીં, કેમ કે આપણને ખબર પણ નથી એ રીતે આપણું શરીર ૨૫-૩૦ ટકા ઝેરી થઈ ગયું છે અને ૨૦૨૫માં આપણા શરીરમાં ૫૦ ટકા ઝેર ભળી જશે. આ સ્થિતિમાં કાષ્ઠ ઔષધી કામ ન આપે." પ્રેમજીભાઈ જંગલો ખૂંદવા દરમિયાન ઘણી દુર્લભ વનસ્પતિઓના સંપર્કમાં આવ્યા છે. તેમના કહેવા મુજબ તેઓ એવી વનસ્પતિઓને પણ ઓળખે છે કે જે ઘરે રાખવાથી ઘરની આસપાસના અમુક વિસ્તાર સુધી સર્પ, વીંછી, સિંહ કે દીપડો ન આવે. એક વનસ્પતિનો રસ લગાડો તો ગમે તેટલો ઝેરી વીંછીનો ડંખ પણ ઊતરી જાય અને તે વીંછી મરી જાય. એક વનસ્પતિના ટુકડાની માળા પહેરીને તમે જંગલમાં ગમે ત્યાં સૂઈ જાવ તો તમારી પાસે સર્પ ન આવે. એક વનસ્પતિનું મૂળિયું ધારણ કરવાથી સિંહ પણ પાછો વળી જાય છે. અમુક વનસ્પતિ સમસ્યાનો ઉકેલ પણ લાવી શકે છે. અતિશયોક્તિ લાગતી આવી વાતો અંગે ખુલાસો કરતા પ્રેમજીભાઈ કહે છે કે મારી બધી વાતો પ્રેક્ટિકલ છે, હું કોઈ ઉડાઉ વાત કરતો નથી." રસરાજ મહોદધિ તુલસીશ્યામથી મળી એક તકલીફ ભર્યો અનુભવ વર્ણવતાં તેઓ કહે છે, "૧૯૭૨માં રસરાજ મહોદધિ ગ્રંથમાં કાયાકલ્પના પ્રયોગમાં લખ્યુ છે કે કુંજરિયા કંદ નામની વનસ્પતિનો પાઉડર લેવાથી આ દેહ નવો બને. ૧૯૭૨થી ૨૦૧૪ સુધીમાં મેં લાખો પાનાં ઉથલાવી જોયાં, હજારો સાધુ અને વૈદ્યો-હકીમોને મળવા છતાં ક્યાંય આ વનસ્પતિની ભાળ ન મળી. આખરે એ વનસ્પતિ મને તુલસીશ્યામનાં જંગલોમાંથી મળી છે." જ્યોતિ મતિ ન પકડાઈ જ્યોતિ મતિ નામની વનસ્પતિનું ગુજરાતી માલકાંગણી થાય છે. એક ગ્રંથમાં જ્યોતિ મતિ વનસ્પતિ ગીરનારમાં થતી હોવાનું લખ્યંુ છે અને તેને સંજીવની ગણાવી છે. પ્રેમજીભાઈ કહે છે, "સંજીવની વનસ્પતિની શોધમાં અમે ગીરનાર ગયા જ્યાં મરક્યુરી લાઇટ જેવી પ્રકાશિત વનસ્પતિ જોવા મળી. એવી પ્રકાશિત વનસ્પતિ કે ઘોર અંધકારમાં વનસ્પતિના પ્રકાશ થકી એકબીજાના ચહેરા જોઈ શકાય. અમે રાત્રે બે વાગ્યે આ વનસ્પતિને જોઈ. ટોર્ચની લાઇટ કરીએ તો તેના અજવાળામાં વનસ્પતિનો પ્રકાશ ઢંકાઈ જાય અને ટોર્ચ વગર લેવા જઈએ તો હાથમાં ઘાસ આવે. અમે ત્રણ કલાક મહેનત કરી પણ વનસ્પતિ મળી નહીં. પછી બીજા-ત્રીજા એમ સાત દિવસ સુધી ગયા પણ એ સ્વયંપ્રકાશિત સંજીવની પછી જોવા મળી નહીં." સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલી વનસ્પતિ અંગે વાત કરતા પ્રેમજીભાઈ કહે છે, "મેં કુકડવેલનો તમામ રોગની સારવારમાં બહુ ઉપયોગ કર્યો છે. તેનો સૌથી વધુ ઉપયોગ ગુદાદ્વારના રોગ, કોઢ અને કમળો મટાડવા માટે થાય છે. ગળાથી ઉપરનાં દર્દો માટે વિશ્વમાં સૌથી અકસીર દવા ત્રિફળા છે. ત્રિફળા આંખ માટે પણ ઉત્તમ છે. જોકે એ આજે કોઈને બનાવતા આવડતું નથી. આંબળાંને લીલા ખમણીને સૂકવવાં પડે અને સાદાં નહીં પણ સોનહરડે લેવાં પડે. આજે ત્રિફળા ત્રણેય સરખી માત્રામાં લઈને બનાવાય છે. વાસ્તવમાં એક હરડે, બે બહેડાં અને ત્રણ આંબળાં એવું પ્રમાણ છે." નવી પેઢીને તંદુરસ્ત રહેવા માટે પ્રેમજીભાઈનો સંદેશ છે, "જગતમાં શરીર એ કોહીનૂર હીરાની ખાણ છે. શરીર સારું રાખવા માટે દવા અને રસાયણોવાળો ખોરાક લેવો નહીં. વર્તમાન સમયમાં કોબીજ, ફ્લાવર, ઘી અને દૂધ બને તેટલાં ઓછાં લેવાં અને બને ત્યાં સુધી બજારનું ખાવું નહીં. ધનવંતરિ ભગવાનનો દર ૬ કલાકનો જમવાનો નિયમ છે તેના બદલે અત્યારે દર બે કલાકે આ શરીરને કંઈક આરોગવા જોઈએ છે. જમ્યા પછી પણ અડધો કલાક બાદ જ પાણી પીવું જોઈએ." ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં આવા ઘણા ઉપચારકો છે, જેમના વનસ્પતિ વૈવિધ્ય અંગેના જ્ઞાન સામે સાયન્સે પણ મોંમાં આંગળા નાખી જવા પડે છે. જોકે જાણકારીના અભાવે લોકો આવી સારવાર સુધી પહોંચી શકતા નથી. એલોપથીની જેમ જો આવા વૈદ્ય-ઉપચારકોને પણ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો ગંભીર અને અસાધ્ય રોગ કે બીમારીઓમાં તેમનું જ્ઞાન ચોક્કસપણે લેખે લાગે.

No comments: