RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

25 August 2015

અહેવાલ લેખન

અહેવાલ લેખન
- હરિભાઇ પટેલ (આચાર્ય)
શૈક્ષણિક વર્ષ-2019-20 થી અમલી
નોંધ;- પરીક્ષામાં ધોરણ -10 ગુજરાતી-001 (પ્રથમ ભાષા) પ્રશ્નપત્રના વિભાગ D માં પ્રશ્ન - (બ) અહેવાલ લેખનનો પૂછાશે. જે 100 શબ્દોમાં લખવાનો રહેશે. જેના  [4] ગુણ છે.
અહેવાલ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો:
1. અહેવાલ એટલે બનેલ હકીક્ત,ઘટના કે બનાવનું નજરે જોયેલું સાચું, સચોટ અને ટૂંકુ નિરૂપણ.
2. આપેલ વિષયને બરાબર સમજો.
3. પ્રથમ કાચી રૂપરેખા બનાવવી પછી પાકો અહેવાલ લખવો.
4. બનેલ ઘટનાનો ક્રમ જાળવવો.
5. ઘટના કે હકીકત જેવી બની હોય તેવી જ,કોઇપણ જાતની  અતિશોયક્તિ વિના આશરે ૧૦૦ શબ્દોની (દસપંદર વાક્યો)  મર્યાદામાં પૂર્ણ કરવી.
6. અહેવાલમાં તારીખ,સમય,સ્થળ,વ્યક્તિવિશેષ વગેરેનો સ્પસ્ટ ઉલ્લેખ કરવો જરૂરી.
7. ઘટનાના વળાંક પ્રમાણે યોગ્ય ફકરા પાડવા.
8. અહેવાલની ભાષા શુદ્ધ, સરળ, ટૂંકા વાક્યોવાળી અને આકર્ષક હોવી  જોઇએ.
9. અહેવાલને અનુકૂળ યોગ્ય શીર્ષક આપવું.
10.પરીક્ષામાં પૂછાતા અહેવાલના પ્રશ્નમાં જ અહેવાલના શીર્ષકનો સમાવેશ થયેલો હોય છે.જેથી જે તે વિષય પ્રમાણે ટૂંકુ શીર્ષક પસંદ કરવું.
                      
અહેવાલ લેખન-૧
વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી
              અમારી શાળામાં દરવર્ષે વૃક્ષારોપણ સપ્તાહ ઉજવવામાં આવે છે.આ વર્ષે પણ અમારી શાળામાં ૩ જી જુલાઇથી ૯ મી જુલાઇ સુધી વૃક્ષારોપણ સપ્તાહ ઉજવવામાં આવ્યું.
           શાળાના વિશાળ પટાંગણમાં અગાઉથી જ સરખા અંતરે ૬૦ ખાડા અમે ખોદીને તૈયાર રાખ્યા હતા.ગામના સરપંચશ્રીના હસ્તે વૃક્ષારોપણ સપ્તાહનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.આ પ્રસંગે અમારી શાળાના આચાર્યશ્રીએ વૃક્ષોના મહિમા વિશે સુંદર પ્રવચન આપ્યું.પછી તૈયાર રાખેલા એક ખાડામાં સરપંચશ્રીએ એક વૃક્ષ રોપી પાણી પાયું.આ પ્રસંગે ગામના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા.દરેક મહેમાને એક-એક વૃક્ષ રોપ્યું.ત્યારબાદ શિક્ષકોના  માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદાજુદા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.      
         આ સપ્તાહ નિમિત્તે રોજરોજ જુદાજુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.વૃક્ષો વિશે પોસ્ટર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા અને ચિત્રસ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી તેમજ છેલ્લા દિવસે વનભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ખરેખર આ વૃક્ષારોપણ સપ્તાહ અમારા માટે માહિતી અને આનંદ આપનારું બની રહ્યું.


અહેવાલ લેખન-૨
શિક્ષણદિનની ઉજવણી
                                             તા. ૬/૯/૨૦૧૪
            ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષકદિન તરીકે ઉજવાય છે.તેઓ શિક્ષકથી આગળ વધીને આપણા દેશના રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચ્યા હતા.ગઈકાલે અમારી શાળામાં શિક્ષકદિન ની શાનદાર ઉજવણી કરવામાં આવી.
            શાળાના પ્રાર્થનાખંડમાં આવેલ મંચ પર ફૂલહારથી સુશોભિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની છબી મૂકવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાગાનથી કરવામાં આવી.પછી શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રો. મનીષભાઇ જોશીનો પરિચય આપ્યો અને ફૂલજડી વડે તેમનું સ્વાગત કર્યું.અમારા વર્ગશિક્ષકશ્રી કિરણભાઇએ શિક્ષકદિનનું મહત્વ સમજાવ્યું.ત્યારબાદ તમામ વર્ગોના પ્રતિનિધિઓએ શાળાના સૌ શિક્ષકોનું ગુલાબના ફૂલોથી સ્વાગત કર્યું.બે વિધાર્થીઓએ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના યાદગાર જીવંપ્રસંગો વર્ણવ્યા.છેલ્લે કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રો. મનીષભાઇએ દેશના ઘડતરમાં શિક્ષકોનો ફાળો એ વિષય પર સુંદર વક્તવ્ય આપ્યું.અંતે અમારા ભાષા શિક્ષક શ્રી મનહરભાઇએ એમના મધુર અવાજમાં એક સરસ મઝાનું ગીત રજુ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું.

અહેવાલ લેખન-૩
સ્વચ્છતા અભિયાનની ઉજવણી
                                                 તા.૧/૦૭/૨૦૧૭
           દેશની પ્રજાને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીજીની જન્મ જયંતિના દિવસે સ્વચ્છ ભારત અભિયાનની ઘોષણા કરી હતી.જેને સૌ ભારતવાસીઓએ આનંદથી વધાવી લીધી હતી.અમારી શાળા પણ દરવર્ષે આ અભિયાનમાં જોડાય છે. 
        ગત તા.૧/૭/૨૦૧૭ ના રોજ શાળાના શિક્ષકોની રાહબરી હેઠળ અમો જુદી જુદી ટીમોમાં વહેંચાઇને શાળા અને ગ્રામ્ય સફાઇના કાર્યક્રમમાં સામેલ થયા હતા.સવારે ૭-૦૦ વાગે શાળાના આચાર્યશ્રીએ  સૌ પ્રથમ હાથમાં સાવરણી લઇને શાળાના મેદાનની સફાઇ કરીને  શરૂઆત કરી. ત્યારબાદ અમારી ટીમો પોતપોતાના કામે લાગી ગઇ હતી.અમુક ટીમોએ શાળામાં રહીને શાળાના ઓરડા,સંડાસ-બાથરૂમ, શાળાની દિવાલો અને મેદાનની સાફ-સફાઇનું કામ ઉપાડી લીધું.તો અમુક ટીમોએ ગામમાં જઇને ગામના રસ્તા,પાણીના હવાડા અને જાહેર સ્થળોની સાફ-સફાઇ કરી.ગામલોકોએ પણ આ કામમાં મદદ કરી અને આ પ્રવૃત્તિને વખાણી.સાફ-સફાઇનું કામ પૂર્ણ થયા બાદ સૌ હાથ-પગ ધોઇને શાળાના સભાખંડમાં એક્ઠા થયા હતા.આચાર્યશ્રીએ અમારી કામગિરીને ખૂબ વખાણી અને જીવનમાં સ્વચ્છતાના મહત્વ વિશે સુંદર જાણકારી આપી.ત્યારબાદ દરેકને સ્વચ્છતા જાળવવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવી.અંતે ભોજન લઇને સૌ છૂટા પડ્યા.આમ, વહેલી સવારથી શરૂ થયેલ આ કાર્યક્રમ મોડી સાંજ સુધી ચાલ્યો. 

2 comments:

Unknown said...

Nice

Unknown said...

તમે જોયેલા એક અકસ્માતનો અહેવાલ સો શબ્દોમાં તૈયાર કરો plz send on this topic
At WhatsApp no. 9898955883